આજના ટેકનોલોજીના યુગમાં કેટલીક એપ્લિકેશન માનવ જીવનને સરળ બનાવવાને બદલે મુસીબતનું કારણ બની રહી છે. તાજેતરમાં જ ઈ-રિક્ષા ચાલકોને હેરાન કરવા અને રસ્તા પર અરાજકતા ફેલાવવા માટે વપરાતી ચાઈનીઝ એપ ‘BAT BMS’ સામે સરકારે લાલ આંખ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી લાખો ઈ-રિક્ષા ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.
શું હતી આ એપ અને કેવી રીતે થતો હતો દુરુપયોગ?
આ વિવાદાસ્પદ એપ ‘શેનઝેન ગ્રેનર્જી ટેકનોલોજી’ નામની ચાઈનીઝ કંપની દ્વારા વિકસાવવામાં આવી હતી. મૂળભૂત રીતે, આ એપ બ્લૂટૂથ-સક્ષમ લિથિયમ બેટરીની કામગીરી, તેનું તાપમાન, ચાર્જ અને વોલ્ટેજ જેવી વિગતોને મોનિટર કરવા માટે એક ‘બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ’ (BMS) તરીકે બનાવવામાં આવી હતી. જોકે, કેટલાક અસામાજિક તત્વોએ તેનો ખોટો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેઓ આ એપ દ્વારા રસ્તા પર દોડતી ઈ-રિક્ષાની બેટરી સિસ્ટમ સાથે કનેક્ટ થઈને ચાલુ રિક્ષાને અચાનક બંધ કરી દેતા હતા.
વધુ વાંચોવીડિયો થયા વાઇરલ
સોશિયલ મીડિયા પર આ પ્રકારના અનેક વીડિયો વાયરલ થયા હતા, જેમાં જોઈ શકાય છે કે લોકો મનોરંજન માટે રસ્તાની વચ્ચે દોડતી ઈ-રિક્ષાને બંધ કરી દઈને ગરીબ રિક્ષા ચાલકોને હેરાન કરી રહ્યા હતા. આ હરકત માત્ર માનસિક હેરાનગતિ જ નહીં, પરંતુ ગંભીર અકસ્માતોનું કારણ પણ બની શકે તેમ હતી. ટ્રાફિક વચ્ચે અચાનક વાહન બંધ થઈ જવાથી પાછળ આવતા વાહનો સાથે અથડામણ થવાની પૂરેપૂરી શક્યતા હતી.
https://twitter.com/ANI/status/2072947020751589800
https://twitter.com/nabilajamal_/status/2072963105995600233
https://twitter.com/gharkekalesh/status/2072269374053044283
સરકારની કડક કાર્યવાહી
આ ઘટનાઓ સામે આવતા જ સરકારે સુરક્ષા અને ડેટા સુરક્ષાના પાસાઓની ગંભીરતાથી સમીક્ષા કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, એપનો ઉપયોગ જે રીતે લોકોની સુરક્ષા જોખમમાં મૂકવા માટે થઈ રહ્યો છે તે સ્વીકાર્ય નથી. આથી, સરકારના આદેશ બાદ એપ સ્ટોર્સ પરથી તેને હટાવી દેવામાં આવી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય જાહેર વ્યવસ્થા જાળવવાનો અને પરિવહન સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે. હવે આ એપ ઉપલબ્ધ ન હોવાથી રિક્ષા ચાલકોને હેરાન કરતી આવી ઘટનાઓ પર લગામ લાગશે. આ પગલાંથી સાબિત થાય છે કે ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સુરક્ષાના ભોગે કરવા દેવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ Maharashtra: માત્ર 12 મિનિટ અને એક સાથે ધડાધડ 15 એક્સિડન્ટ, કરોડોના બાંધકામની પોલ ખુલી